શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

કોઈ કારણ હશે...

મને વીસરી જવાનું પણ કોઈ કારણ હશે;
એમના શિર પર પણ કોઈક ભારણ હશે.


ક્યારેક છવાતી હશે મારા યાદની વાદળી;
એમની કથ્થઈ આંખોમાં ત્યારે શ્રાવણ હશે.


કહેવાનું હતું મારે જે એમને એ રહી ગયું;
એમની રાહમાં જ મારા ઘરનું આંગણ હશે.


ઘાયલ દિલ મારું ન સાચવી શક્યા એઓ;
સમજી ન શક્યા ‘એ’ અમૂલ્ય થાપણ હશે.


મોસમ બદલાય છે તો ભલે બદલાતી રહે;
યાદમાં એમની દિલમાં તો સદા ફાગણ હશે.


જો અર્થ અઢી અક્ષરનો સમજાય જાય તો;
એ અઢી અક્ષરમાં જ જિંદગીનું તારણ હશે.


દરદ-એ- દિલ વિશે શું કહેવું હવે નટવર?
મારી કવિતાઓ જ શાયદ એનું મારણ હશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું