શનિવાર, 6 ડિસેમ્બર, 2014

શાયદ..

આવતો જતો રહું છું, એમને શાયદ નજરમાં આવું;
પિવડાવી દે જો એ આંખોથી,શાયદ અસરમાં આવું.

કેદ કરી લીધો છે એમણે દિલમાં મારી જાણ બહાર;
કરી દે એ હવે મને મુક્ત તો હું શાયદ ઘરમાં આવું.

અહલ્યવશ થઈ રહ્યો છું આમ જીવતા જીવતા હું ય;
એઓ જો મારે ઠોકર મને તો શાયદ ડગરમાં આવું.

સખીઓ કદી પૂછે એમની અસીમ તન્હાઈનું કારણ;
એઓ જો આપે એનો જવાબ, શાયદ ઉત્તરમાં આવું.

લખવા જ્યારે બેસશે એમની આપવીતી ઢળતી ઉમરે.
હર પાને પાને, શબ્દે શબ્દે, હું શાયદ અક્ષરમાં આવું.

જેટલો મને વીસરવાનો પ્રયાસ કરશે એઓ ક્યારેક;
વધુને વધુ યાદ એમને હું શાયદ હર પ્રહરમાં આવું.

વાંચતા રહેજો દોસ્તો અખબારના હર પાનાઓ તમે;
આજે નહીં તો આવતી કાલે હું શાયદ ખબરમાં આવું.
 ન કરે નારાયણ જો આપ દુનિયા છોડી જાઓ પહેલાં;
કરું એટલો પ્યાર તમારી સાથે  શાયદ કબરમાં આવું.

લખી તો છે ઘણી કવિતાઓ નટવરે એમની યાદમાં;
વાંચીને એઓ કરે મને યાદ,હું શાયદ બહરમાં આવું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું