મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

કરે છે...

સમી સાંજે ખામોશી ચૂપકીથી કાનમાં સાદ કરે છે.
એ કહે દૂર દૂર જરૂર કોઈ મને હરદમ યાદ કરે છે.

આ ઇશ્ક પણ અજીબ માયાજાળ છે ઓ યાર મારા;
કોઈને એ આબાદ કરે,  કોઈને એ બરબાદ કરે છે.

જીવ મારો કપાય જાય, થાય દિલના ટૂકડે ટુકડા;
જ્યારે મને એ એના ખયાલોમાંથી ય બાદ કરે છે.

મારા ઘરની હર દિવાલે લગાવી છે એની જ છબી;
એથી મારા ઘરની ભીંત મારી સાથે સંવાદ કરે છે.

કહેવાય છે દોસ્ત મારા કે ઝહેરના પારખાં ન હોય;
મારા જેવો વીરલો જ  વિરહ વિષનો સ્વાદ કરે છે.

ખુદા જેવો ખુદા પણ કેવાં કેવાં ભેદભાવ રાખે છે?
વનમાં ઝાઝો અને રણમાં ક્વચિત્ વરસાદ કરે છે.

સાગરમાં એમ તો કંઈ ભરતી નથી આવતી યાર;
પુનમે ચાંદની ગટગટાવી દરિયો ય ઉન્માદ કરે છે.

જો એકાદ દિવસ ન લખું હું કવિતા એની યાદમાં;
તો સનમ કહી દે મને,નટવર તુ બહુ પ્રમાદ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું