મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

થોડી વાર લાગશે...

ઇશ્ક ફરમાવતા મને થોડી વાર લાગશે;
પ્રેમપત્ર લખતા મને થોડી વાર લાગશે.

શું શું ભૂલ્યો છું હું એ જ યાદ નથી રહ્યું;
બધું યાદ કરતા મને થોડી વાર લાગશે.

બે જ કદમ દૂર છે મયખાનાથી મારું ઘર;
તો ય ઘરે જતા મને થોડી વાર લાગશે.

સાવ કિનારે ડૂબી જવાની છે આદત મને;
આંખોમાં ઊતરતા મને થોડી વાર લાગશે.

જીતની બાજી સોંપી છે દુશ્મનના હાથમાં;
એવી રમત રમતા મને થોડી વાર લાગશે.

માંડમાંડ ખુદનાં બંધનથી મુક્ત થયો છું;
દિલમાં કેદ થતા મને થોડી વાર લાગશે.

જેને આપ્યું મેં દિલ એણે પરત આપ્યું છે;
નવેસરથી ધરતા મને થોડી વાર લાગશે.

હસતા હસતા ઘણી વાર છલકાવી આંખો;
મીઠું મીઠું મરકતા મને થોડી વાર લાગશે.

ખુદથી,ખુદાથી થયો દૂર કોઈની તલાશમાં;
એ તરફ પાછાં ફરતા મને થોડી વાર લાગશે

ધબકે દિલ નટવરનું એનાં જ નામે હરદમ.
યાર હવે તો મરતા મને થોડી વાર લાગશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું