મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

થવું નથી...

સીધો સાદો ઇન્સાન રહેવા દો, મારે મનસૂર થવું નથી;
બદનામીથી મળી છે શોહરત,  મારે મશહૂર થવું નથી.

ખાલિપો ધીરે ધીરે લાગવા લાગ્યો હવે મને માલિપો;
એક વાર થઈ ખાલી થયા પછી મારે ભરપૂર થવું નથી.

તમારી આસપાસ ન રહેવાય સનમ, એ સમજી શકાય;
મારા નામે ધબકતા તમારા દિલથી મારે દૂર થવું નથી.

તમારા કાજળમાં ધૂંટીને લગાવ્યો છે તમારા મૃગનયને;
બસ છે એ, તમારા ભવ્ય સેંથાના મારે સિંદૂર થવું નથી.

આપનો આશિક છું, ચાહક છું, દિવાનો છું, કોઈ શક નથી;
ને તમારો ગુલામ કહેવાઉં એટલું મારે મજબૂર થવું નથી.

હલકો હલકો નશો ઇશ્કનો કાફી છે દિલ બહેલાવા માટે;
ઇશ્કમાં ખુદાને વીસરી જાઊં એટલું મારે ચૂર થવું નથી.

નમતો રહું જિંદગીભર,સૌને ગમતો રહું ભવોભવ બસ છે;
જેવો છું એવો જ રહેવા દેજે ખુદા, મારે મગરૂર થવું નથી.

પથ્થર રહીશ તો કદી પૂજાઈ પણ જાઉં, કે બનું ખાંભી;
તમે ઠોકર મારો,ગનીમત છે એ,મારે કોહિનૂર થવું નથી.

ભલે સનમ, તોડ્યું છે દિલ તમે નટવરનું હસતા રમતા;
કમસિન દિલ તમારું હું તોડું એટલું ય મારે ક્રૂર થવું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું