મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

રહેવા દો...

દર્દનું નિવારણ રહેવા દો;
દર્દનું વિવરણ રહેવા દો.

હર જખમ ભલે રૂઝાય જાય.
એક દૂઝતો વ્રણ રહેવા દો.

કોણ છું, હું વીસરી જઈશ;
સામે એક દર્પણ રહેવા દો.

આંસુથી સિંચ્યા છે મેં એને;
તન્હાઈના ભ્રૂણ રહેવા દો.

હર જાણીતો અજનબી છે;
ચહેરે આવરણ રહેવા દો.

એક દિ હું ય ગમી જઈશ;
મારી  ભલામણ રહેવા દો.

મરમ ઇશ્કનો ન સમજાય;
ઠાલી મથામણ રહેવા દો.

જીવવા જોઈશે એ ક્યારેક;
એક મસ્ત કારણ રહેવા દો.

દિલ સાવ બાળક જેવું છે;
એમાંય બચપણ રહેવા દો.

આ જિંદગીના બદલામાં;
સહવાસની ક્ષણ રહેવા દો.

ભલે સાવ એકલો પાડી દો;
સાથે યાદોનું ધણ રહેવા દો.

દુઃખી થઈ જશો મારા યારો;
મારું અનુકરણ રહેવા દો.

દિલ નિચોવ્યું કવિતામાં;
હવે એનું તારણ રહેવા દો.

ભલે દૂર થાઓ નટવરથી;
દિલમાં  સ્મરણ રહેવા દો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું