મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

અલ્લાબેલી છે...

એના મૌનની થોડી ભાષા મેં ઊકેલી છે;
નજરો વિશે શું કહું?  એ હજુ ઝૂકેલી છે.

દોસ્તો પૂછે મને,સનમ તમારી કેવી છે?
 કોને ખબર કેવી  છે? એ એક પહેલી છે.

ઋતુની રાણી, બહારોની મલિકા છે સનમ;
મનમોહિનીની મોગરાની મહેક સહેલી છે. 

એકલી એકલી વાતો કરે દીવાલો સાથે;
કોણ જાણે એક છોકરી કેટલી ઘેલી છે?

અંદર કોરો છું; બહાર તરબતર થઈને;
ધખતા વૈશાખમાં એની યાદની હેલી છે.

યાદ રાખ્યું એણે પણ જે મેં ન કહ્યું કદી;
વીસરી એ જ વાત જે કદી મેં કહેલી છે.

કેટલી ય વાર મહેસુસ કર્યું છે મેં સનમ;
હાથમાં મારા તારી થરથરતી હથેલી છે. 

સાથે હળીને, મળીને, લળીને વાત કર;
વાત આપણા ઇશ્કની  સાવ સહેલી છે.   

ખુદા ય નથી સાંભળતો હવે તો નટવર;
તું જ ખુદ હવે તો તારો અલ્લાબેલી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું