મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

થઈ જાય છે...

દરદ હદથી વધે તો દવા થઈ જાય છે;
સુખ ધીમે ધીમે દરદ નવા થઈ જાય છે.

સુખો સંઘરવાથી ઘટતા જાય છે સનમ;
ને ગમ વહેંચવાથી હળવા થઈ જાય છે.

તારા જીવનમાં પણ એવું બનશે એક દિ;
સાવ અજાણ્યો જણ મીતવા થઈ જાય છે.

આંસુઓને પીધા છે અમે ય જાણી જાણી;
એકલાં રડીએ તો એ કડવા થઈ જાય છે.

તુ દૂર દૂર નાંખે છે ઊના ઊના નિસાસા;
ને મારા શ્વાસની ગરમ હવા થઈ જાય છે.

જિંદગીમાં જે થવાનું હોય થઈને રહે જ છે;
જરૂરથી આ, પેલું કે અથવા થઈ જાય છે.

દશા ખરાબ ચાલતી હશે આપણી સનમ;
હું કે તુ આહ ભરીએ, અફવા થઈ જાય છે.

ક્યાં સુધી નાહક તું લખતો રહેશે નટવર?
લખ લખ કરવાથી લખ‘વા’ થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું