મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

અંધેર નથી...

દેર છે,  અંધેર નથી;
એવું જ છે, ફેર નથી.

ખુદા, તુ ક્યાંક તો છે;
કેમ તારી મહેર નથી?

બસ દિલ જ તૂટ્યું છે;
કંઈ કાળો કહેર નથી.

કોઈનું હું કદી દિલ તોડું;
મારો એવો ઉછેર નથી.

પીધું છે મેં જાણી જાણી;
જુદાઈ કંઈ જહેર નથી.

લોકો તો એ જ છે સૌ;
બસ,  મારું શહેર નથી.

દરિયો તરસ્યો જ રહ્યો;
પહેલાં જેવી લહેર નથી.

એક જ છું હું ય દિવાનો;
મારા જેવા ઠેરઠેર નથી.

મારી પાસે છે લાગણી;
કંઈ જ જર-ઝવેર નથી.

આંસું સિવાય શું આપું?
હું કંઈ ધનકુબેર નથી.

ખુદ સાથે જ છે અંટસ;
અન્ય સાથે વેર નથી.

ખુશખુશાલ રહું છું હું;
પણ લીલાલહેર નથી.

ઇશ્ક કર્યો છે તેં નટવર;
હવે તારી ય ખેર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું