મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

છે...

એમ તો સહુ રસ્તા પ્રભુ તરફ જ વળે છે;
મારો બેટો પ્રભુ તો ય કદી ક્યાં મળે છે?

હવે કોને જઈને કહું મારા દિલની વાત?
આજકાલ કોણ ધ્યાન દઈને સાંભળે છે?

પાંપણોમાં સપનાની અદાલત ભરાય છે;
અને સવાર પડે એ જ સપનાંઓ છળે છે.

લાખ લાખ લોકમાં એક નજર વસી ગઈ;
નજર, જે નજર મેળવી હળવેથી ઢળે છે.

જખમ પર મલમ લગાવવાનું રહેવા દો;
એ મનપસંદ જખમો એથી વધુ કળે છે.

સાકી ન જોઈશ તું તાકી તાકી,જશે થાકી;
ખાલી નથી કર્યું મે જામ, એ તો ગળે છે.

સમી સાંજે બેઠો છું ડૂબતા સૂરજની સાખે;
યાદોનાં ધણનાં ધણ ફરતે ટોળે વળે છે.

લખી નાંખે છે આ નટવર એકાદ નજમ;
જ્યારે લીલીછમ લાગણીઓ સળવળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું