રવિવાર, 20 જુલાઈ, 2014

ઇશ્ક તો ઇશ્ક છે...

વાદ નથી,  વિવાદ નથી ને વિખવાદ નથી;
ઇશ્ક તો ઇશ્ક છે, એનો કોઈ અપવાદ નથી.

સમજતા સમજતા સમજાઈ જશે તને સનમ;
ઇશ્ક તો ઇશ્ક છે,  કોઈ ઠાલો ઉન્માદ નથી.

એક વાર ઇશ્ક કરીને જોઈ લે તુ કોઈ સાથે;
ઇશ્ક તો ઇશ્ક છે,એનો કોઈ અનુવાદ નથી.

કેદ થવાનું કોઈની આંખોમાં છે અહોભાગ્ય;
ઇશ્ક તો ઇશ્ક છે, એમાં કોઈ આઝાદ નથી.

થતા થતા થઈ જાય છે સાવ અચાનક એ;
ઇશ્ક તો ઇશ્ક છે, એમાં કોઈ આબાદ નથી.

છત્રીમાં રહીને ય ભીંજાય જાય બે તનમન;
ઇશ્ક તો ઇશ્ક છે, ભલે બહાર વરસાદ નથી.

તન્હાઈ ગમવા લાગે, એકલતા રમવા લાગે;
ઇશ્ક તો ઇશ્ક છે, એમાં ક્યાંય અવસાદ નથી.

વીસરી જવાનું હોય એ ફરી ફરી આવે યાદ
;
ઇશ્ક તો ઇશ્ક છે,  કોઈ નવી ફરિયાદ નથી.

દિલ મળે ને આંખો આંખોમાં વાત થઈ જાય;
ઇશ્ક તો ઇશ્ક છે,  ભલે હોઠોનો સંવાદ નથી.

કિંમત આંસુની સમજાય જાય હસતા હસતા;
ઇશ્ક તો ઇશ્ક છે,આંસુ ઇશ્કનાં બેસ્વાદ નથી.

દિલ ક્યારેક તૂટી જાય ને થાય વેરણ છેરણ;
ઇશ્ક તો ઇશ્ક છે, તો ય કોઈ બરબાદ નથી.

ભલે સહુ કોઈ ના ના કરતા રહે છે નટવર;
ઇશ્ક તો ઇશ્ક છે, એનાથી કોઈ  બાદ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું