શનિવાર, 14 જૂન, 2014

શુકન...

કરાવો મને હવે ઓ દોસ્તો કોઈક સારા શુકન;
લલચાવી રહ્યું છે મને એમની આંખોનું ઇજન;

સ્વથી માંડ અલગ થયો તો જ ખબર પડી મને;
જિંદગીમાં ખરેખર કોણ હોય છે આપણા સ્વજન.

પતંગ ચગાવતા ચગાવતા એટલું તો હું શીખ્યો;
ઉપર તો જ પહોંચાય, હોય જ્યારે સામો પવન.

જેનાં માટે હું સતત ઝૂર્યા કર્યો દૂર દૂર પરદેશમાં;
હાય રે કિસ્મત!મને ભૂલી ગયું મારું એ જ વતન.

રૂબરૂ ન મળાય,ન મળાય સનમ તમને હવે કદી;
કદી સપનાંમાં મળવાનું આપો તમે મને સાંત્વન.

હતો અહલ્યા સમો હું પડ્યો તો તમારી રાહમાં;
તમારી ઠોકરે જ તો મને કર્યો છે પતિત પાવન.

મારા તો રદીફ તમે જ, ને કાફિયા પણ તમે જ;
યાદ કરીને તમને લખતો રહું છું હું આવા કવન.

પહેલેથી જ આદમી રંગીન મિજાજ રહ્યો છું  હું;
ધ્યાનમાં રાખી એ ઓઢાડશો મને ચૂંદડીનું કફન.

સાવ એકલો ન પડી જાઉં કબરમાં સુતા સુતા હું;
એકાદ મારી નજમનું ય કરજો મારી સાથે દફન.

બુરી આદત બધી ધીરે ધીરે છોડી દીધી  છે યાર;
બસ નથી છોડી શકતો ઇશ્કનું  જીવલેણ વ્યસન.

આ એક જનમ તો ઓછો પડ્યો છે તમને ચાહવા;
આવતા જન્મોમાં થઈ જશે એક આપણાં તનમન.

જ્યાં જ્યાં પગલાં પડ્યા ધરા પર તમારા સનમ;
આવતા જતા કરતો રહે છે આ નટવર ત્યાં નમન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું