શનિવાર, 14 જૂન, 2014

ભાગે છે...

હકીકતથી ખુદ  દૂર દૂર જે કોઈ ભાગે છે;
સચ્ચાઈ મેળવવા એ જ રાતભર જાગે છે.

હવામાં ખુશ્બુ ઓગળી વહી રહી એમની;
જરૂર એઓ અહીં કહીં આસપાસ લાગે છે.

બેઠો છું વિસ્ફોટક લાગણીના ઢગ પર હું;
રાહ છે મને કોણ જામગરી હવે દાગે છે?

મારી જાણ બહાર કોણ વસી ગયું છે ત્યાં?
આયનામાંથી કોઈ અજાણ્યો મને તાગે છે.

ફૂલોએ એટલો જખમી કર્યો છે મને દોસ્ત;
હવે તો કંટકો પણ મને સુંવાળા લાગે છે.

મારો તો સમય જ અટકી ગયો છે દોસ્ત;
મને શી ચિંતા ઘડિયાળમાં કેટલાં વાગે છે!

આપવું હોય તો આપી દે જે આસાનીથી;
દિલ ધડકન સિવાય બીજું ક્યાં માંગે છે?

વસવું હતું એમના દિલમાં તો ન વસાવ્યો;
હવે એ છબી મારી ઘરની દિવાલે ટાંગે છે.

હાથમાં છે એ જ બસ સાથમાં છે નટવર;
છૂટી ગયું જે એ નટવર હસીને ત્યાગે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું