શનિવાર, 14 જૂન, 2014

એકાકી...

હવે નથી રહી કોઈ જ નવી હસરત બાકી;
બસ એક વાર આંખોથી પિવાડવી દે સાકી.

એકાદ બે ઘૂંટ ગટગટાવીશ તારી આંખોથી;
દૂર થઈ જશે જિંદગીભરની મારી સૌ હાલાકી.

આપ આશરો મયખાનામાં કે હ્રદયખાનામાં;
જિંદગીની સફરમાં અધવચ્ચે ગયો છું થાકી.

મંદિરથી હું બહાર આવ્યો, કોઈએ ન જોયું;
મયખાનેથી નીકળ્યો, સહુ જુએ તાકી તાકી.

બહુ સાચવ્યું તોય એ દિલ લઈને રહ્યા મારું;
એમને જોતા જ વીસરી ગયો બધી ચાલાકી.

તન્હાઈનો આ કેવો અજબ આલમ છે દોસ્ત;
રંગીન રાતે કમબખ્ત સપનાં આવે છે ખાકી!

આજે ભલે એમણે છેક જ અવગણ્યો છે મને;
એક દિ મારા પ્યારમાં પડશે,વાત છે પાકી. 

કરી કોશિશ કરવાની જેટલી મેં એને સીધી;
જિંદગી છે મારી,એ ચાલે હંમેશ થોડી વાંકી.

જીવનમાં જ્યારે જ્યારે બેચેની થઈ આવે;
આંસુંઓ સાથે લઉં હું એમની યાદોની ફાંકી.

વસી ગયો દિલમાં ચહેરો જે કદી ન જોયો;
મળ્યા હંમેશ એઓ ચહેરાને નકાબમાં ઢાંકી.

એમની નજરે મારી નજરને એવું તે શું કર્યું?
જ્યાં જ્યાં નજર કરું થાય મને એમની ઝાંકી.

આ જાલિમ જમાનો જ બહુ ખરાબ છે નટવર;
લાખ લાખ લોકમાં રહી હર શખ્સ રહે એકાકી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું