શનિવાર, 14 જૂન, 2014

ફરજી છે...

એ માણસનું જીવવાનું ફરજી છે;
જેને ઇશ્કની ય ભારે ઍલર્જી છે.

રિચાર્જ કરી દે છે આ જિંદગીને;
ઇશ્ક યારો, અદભુત એનર્જી છે.

કોઈ કરે પ્રેમ,કોઈ ફરમાવે ઇશ્ક;
મેં તો સનમ બસ, તને ભજી છે.

દિલનાં બદલમાં દિલ જ આપો;
મારી બસ એટલી જ અરજી છે.

આઈનો રોજ નવા વેશ ભજવે;
કોણ જાણે કોણ એનો દરજી છે?

આંખો ઝુકાવીને કરે એઓ વાતો;
કેમ જાણુ, શું એમની મરજી છે?

એ માને,ન માને,પણ હું એ જાણુ;
ખુદાએ એને મારા માટે સરજી છે.

જેમ જેમ મળતા ગયા છે જખમો;
જિંદગી એમ વધારે સજી ધજી છે.

કોરું કફન ઓઢીને સૂતો છું ભલે;
બંધ આંખોમાં એની છબી હજી છે.

જે કદી નથી વરસવાની ધરા પર;
એ જ વાદળી આજે વધુ ગરજી છે.

પ્રિય હતી જે જે ચીજ નટવરને;
એ દરેકને હસતા હસતા તજી છે.

(ફરજી=બનાવટી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું