રવિવાર, 22 જૂન, 2014

ઇશ્ક છે...

આ તો ઇશ્ક છે, સનમ કોઈ મજાક નથી;
તમે નાદાન,ન સમજો,તમારો વાંક નથી.

દિલ તો મારું ય સાવ બાળક જેવું જ છે;
કરે ધમાલ એ,એને કોઈનો ય ધાક નથી.

વિચારીને લખ્યો એમણે છેલ્લો પ્રેમપત્ર;
દોસ્ત મારા, એમાં ક્યાંય છેકછાક નથી.

લણ્યા છે રાતભર ઉજાગરા જાગી જાગી;
એનાં સપનાંથી રસાળ કોઈ જ પાક નથી.

કરવા છે સોદાઓ મારે સુહાના સપનાનાં;
હાય રે કિસ્મત! એનું કોઈ જ ઘરાક નથી.

જેના પર જાન ન્યોછાવર કરી જીવી રહ્યો;
મારા ઇશ્ક પર એ જ એટલાં મુશ્તાક નથી.

ઈશ્વર,અલ્લાહ બને તો માફ કરજે તું એને;
અહીં હવે કોઈ જ ઇન્સાન પુરો પાક નથી.

સાવ ખાલી પયમાનું આપ્યું મને તેં સાકી;
શું તારી  પાસે શરાબ પણ નવટાંક નથી?

એવી જિંદગી જીવવાની ય કોઈ મજા નથી;
જેમાં યાર મારા, કોઈ સુંવાળો વળાંક નથી.

નટવર તો દિલનો રાજા, સ્નેહનો શહેનશાહ;
છે થોડો થોડો મુફલિસ પણ સાવ રાંક નથી.

[૧. નવટાંક- નવ ટંકા (જૂના પૈસા)નું વજન, પાશેરનું અર્ધું;
૨. મુશ્તાક = ઓળઘોળ-ખુશ; વારી ગયેલ, આતુર; ઈચ્છાવાળું; ભારે કામનાવાળું. (સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું