રવિવાર, 22 જૂન, 2014

યાત્રા હજુ અધૂરી છે...

મંજિલથી એમ તો ફક્ત બે જ કદમની દૂરી છે;
એ કાપતા યુગો લાગશે,  યાત્રા હજુ અધૂરી છે.

ઘૂંટ કડવા વિરહ વિષના પીનેય જીવી ગયો હું;
કારણ છે એટલું સનમ, યાદ તમારી મધુરી છે.

નથી કંઈ કહેવું મારે કે નથી કંઈ પણ સાંભળવું;
જેવી મારી છે,એવી તમારી ય કોઈ મજબૂરી છે.

હું ઇચ્છતો જ હતો કે દોસ્ત, તું ય બેવફા નીકળે;
સમજવા તારી મારી દોસ્તીને એ પણ જરૂરી છે.

એ કહે એમ કરતો રહ્યો, એ સૌને કહેતો રહ્યો હું;
એ સમજતા રહ્યા ઇશ્કનું બીજું નામ જીહજૂરી છે.

યાર આ જિંદગીને જીવતા પણ આવડવું જોઈએ;
ન આવડે તો શ્વાસ લેવો છોડવોય એક મજૂરી છે.

હસતા હસતા રમતા રમતા હારી ગયો દિલ મારું;
હારી દિલને કોઈને જીતવું એ પણ એક ચતુરી છે.

સોચ વિચારીને લખજે નટવર હવે પછી તું પણ;
આ દુનિયાની કહેવાતી દુનિયાદારી બહુ  બુરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું