શનિવાર, 14 જૂન, 2014

તાળો..

એનો નથી મળતો દોસ્ત મને તાળો;
ઉનાળામાં જ ખીલે છે કેમ ગરમાળો?

જ્યારે જ્યારે આયનામાં મેં જોયું છે;
પૂછે મને, તું માણસ છે કે તરગાળો?

ન શોધશો મને તમારી આસપાસમાં;
બસ, તમારાં દિલમાં જ મને ભાળો.

દરદ-એ-દિલની શી મસ્ત મજા છે?
કેવી રીતે જાણે એ પેલો ઉપરવાળો?

રકમ જ ખોટી  હતી મારા દાખલાની;
હતી એ બાદબાકી, કર્યો મેં સરવાળો.

તમને ભૂલવાના કરું છું ભારે પ્રયત્ન;
ખ્યાલોમાં આવી ન કરો કાંકરીચાળો.

છું સાવ પ્રવાહી જેવો હું પણ સનમ;
જેવા રૂપમાં ઢાળવો હોય, મને ઢાળો.

તમારા એક વચન પર જીવી રહ્યો છું;
કહ્યું હતું મળવાનું, બસ એ તમે પાળો.

ખોટી વાહ વાહ મારી રહેવા દે દોસ્ત;
જાણું છું મનોમન તું દે છે મને ગાળો.

સપનાં તો હંમેશ હું રંગીન જ જોઉં છું;
ભલે હોય મારી હર રાત્રિનો રંગ કાળો.

થવાનું હોય એ થઈને રહે છે નટવર;
ગમે એટલું ય દોસ્ત, તમે એને ટાળો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું