શનિવાર, 14 જૂન, 2014

ઇશ્ક કે ઇબાદત??

ઓ યારો સમજાવો મને એક બાબત;
કરું હું ઇશ્ક  કે પછી કરું હું ઇબાદત?

માનો ય ન માનો પણ છે એ હકીકત;
આ જિંદગીની તો એક જ ધરી-ચાહત.

મારે તો સરખાં બન્ને,ખુદા અને સનમ;
બેમાંથી એક મળે તો થઈ જાય રાહત.

હું જ ખુદને રોજ રોજ છેતરતો રહ્યો;
કહો કરવી કોને મારે એની શિકાયત?

ટકી ગયો  છું હું ભવની ભવાટવીમાં;
ખુદા કહે છે કોની મારા પર ઇનાયત?

આજે ભલે એઓ ચાહે છે, કાલનું શું?
કોણ જાણે ક્યારે બદલાય જાય દાનત!

કર્યો છે ઉમરકેદ મને એમનાં દિલમાં;
છોડાવો યારો મને આપી કોઈ જમાનત.

આ જિંદગી પણ આપણી ક્યાં હોય છે?
હોય છે એ પણ કેટલાંયની અમાનત.

દિલ હતું કાચનું, એક દિ તૂટવાનું હતું;
ખુશી મનાવો,નથી એ કોઈ મોટી શામત. 

લખી નાંખે જ્યારે એકાદ નજમ નટવર;
થઈ જાય છે ઘાયલ દિલને થોડી રાહત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું