શનિવાર, 5 એપ્રિલ, 2014

તપાસો...

સનમ વારે વારે તમે મને શીદ આમ ચકાસો?
છે મારા વિના કેવી તમારી હાલત એ તપાસો.

પૂછતા પૂછતા તમે પૂછી લીધું કેમ જીવો છો?
શું કહું સનમ?ગણી ગણી લઈ રહ્યો છું શ્વાસો.

હાથે કરીને હારી ગયો હું જીતની બાજી મારી;
એમ તો મારી પાસે પણ હતો શકુનિનો પાસો.

રૂબરૂ મળવાની કરતા રહ્યા હંમેશ આનાકાની;
ને સપનામાંય ન મળવાનો મોકલ્યો છે જાસો.

લાખ લાખ જાણીતા લોક સાવ અજનબી બને;
જ્યારે એક માસૂમ ચહેરો ગમી જાય છે ખાસો.

જિંદગી આખી જીવી જઈશ હું ય તમારા વિના;
બસ જતા જતા દેતા જાવ દિલથી મને દિલાસો.

ખુદની કેદ જેમાં હું કેદ, છે મારામાં એટલો ભેદ;
કહો યારો, કેવી રીતે તમે ખુદથી જ દૂર નાસો?

પ્રભુ હવે મને થવા લાગ્યો છે તારા પર અંદેશો;
ધરમને નામે માનવે બિછાવી છે કેટલી લાશો?

મંજિલ નથી રસ્તો નથી નથી કોઈ મુકામ હવે;
હોય છે નટવર એવા જિંદગીમાં ઘણા પ્રવાસો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું