ગુરુવાર, 2 જાન્યુઆરી, 2014

થઈ ગયો...

માણસ જેવો માણસ થઈ હું એક શૂન્ય થઈ ગયો;
મારા જેવો સામાન્ય શખ્સ પણ મૂર્ધન્ય થઈ ગયો.

સાવ નગણ્ય હતું અસ્તિત્વ મારું અખિલ બ્રહ્માંડમાં;
કર્યો એણે મને યાદ, હું તો ધન્ય ધન્ય થઈ ગયો.

અગાસીએ સદ્યસ્નાતાએ એના ભીના વાળ પસાર્યા;
લો,ભર ઉનાળે ય ઝરમર ઝરમર પર્જન્ય થઈ ગયો.

આયનાએ ઓળખવાની ના અમસ્તી નથી કહી મને;
મારા ઘરના આયનાઓ માટે હું ય અન્ય થઈ ગયો.

ઊછાળો માર્યો લાગણીઓ એવો કે નહોર લાગી ગયા;
હતો શહેરી અજાણ્યા શહેરમાં, હવે હું વન્ય થઈ ગયો.

મળી સજા મને એવી ટોળામાં એકલાં એકલાં રહેવાની;
ઇશ્ક નહીં, જાણે મારાથી ગુન્હો કોઈ જઘન્ય થઈ ગયો.

એના ઇશ્કની અસર છે કે પછી છે મારા ઇશ્કનો નશો;
નટવર નથી રહ્યો નટવર એ હવે અનન્ય થઈ ગયો.

(પર્જન્ય= મેઘ, વરસાદ, વાદળ- સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું