બુધવાર, 1 જાન્યુઆરી, 2014

અજબ કસક છે!


જિંદગીની આ ય કેવી અજબ કસક છે!
આંખો છે કે જાણે આંસુની બે મશક છે!!

એને ખબર હોય કે ન હોય કોને ખબર?
એને પ્યાર કરવાનો તો મારો ય હક છે.

જિંદગીમાં એક જ વાર જીવવાનું મળે;
એ મળે તો જીવી જવાની બીજી તક છે.

શું છે જિંદગી એના વિના શું કહું યાર?
શ્વાસ લેવાની છોડવાની એક રકઝક છે.

બદલતા બદલતા સાવ બદલી નાંખ્યો;
અને કહે મને તારામાં હવે બહુ ફરક છે.

એમની આંખોની ગહેરાઈ વિશે શું કહું?
જિંદગી મારી આખી એમાં જ ગરક છે.

મને યાદ કરતા રહે છે એઓ ને રહેશે;
ભલે મને વીસરવાની એમની જક છે.

મારા ખયાલની જ એ પણ અસર હશે;
ભીની આંખો સાથે ય હૈયું મરક મરક છે.

તારું મયખાનું છોડીને હું ક્યાં જાઉં સાકી?
મયખાના મહીં સ્વર્ગ છે, બહાર નરક છે.

એ કદી ય ન સમજી શકે ઇશ્કને નટવર;
હૈયામાં જેનાં હરદમ થોડો થોડો શક છે.1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું