રવિવાર, 12 જાન્યુઆરી, 2014

બધું મળી જાય છે...


કેટલાક લોક એવા હોય છે જેને માંગે એ બધું મળી જાય છે;
કેટલાક લોક એવા પણ હોય છે એ જોઈ જોઈ બળી જાય છે.

એમની નજરે મારી નજરને શું કર્યું કે બધે એ જ નજર આવે;
એ એક એવી નજર છે એમની મને જોઈ હંમેશ ઢળી જાય છે.

કેટલીય વાર વિચાર્યું કે કહી દઉં એમને કે હું આપને ચાહું છું;
આ શબ્દ હોઠો પર આવી ન જાણે ક્યાંક પાછાં વળી જાય છે.

એક આદત થઈ ગઈ છે ડગલે પગલે છેતરાવાની હવે મને;
સાલુ  દિલમાં લાગી આવે જ્યારે કોઈ અંગત છળી જાય છે.

રહી પરદેશમાં દેશને યાદ કરવાનીય રીત છે અનોખી મારી;
ગળે વળગી એને રડી લઉં જો કોઈ હમવતન મળી જાય છે.

પયમાનાની દોસ્તી ય નઠારી છે, ન ઠારી શકે દિલની આગ;
સાકી ભરે એ વારંવાર
,કમબખ્ત એ વારંવાર ગળી જાય છે.

એ જ નજમને દાદ પર દાદ મળે છે ભરી મહેફિલમાં નટવર;
જેના હર અક્ષરમાં દરદ- એ - દિલ સીધેસીધું ભળી જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું