શનિવાર, 7 ડિસેમ્બર, 2013

તને કેમ છે?

મને ઘાયલ કરવાની એમની નેમ છે;
એથી વારંવાર પૂછે મને તને કેમ છે?

પિત્તળ પણ વધુ ચમકે છે આજકાલ;
છેતરાયો છું ઘણી વાર લાગે હેમ છે.

હિસાબ શ્વાસોશ્વાસનો સરભર રહે છે;
આપણા પર પ્રભુની એટલી રહેમ છે.

કહેતા નથી એઓ ત્રણ સરળ શબ્દો;
ને પ્રેમમાં પડવાનો એમને વહેમ છે.

તસવીર એમની મેં દિલમાં સજાવી છે;
ભીંત પર તો બસ એક ખાલી ફ્રેમ છે.

છે એ સુંવાળી જાળ કે છે  કોઈ માયા;
સમજનારા કહે એનું નામ જ પ્રેમ છે.

મારે તો કરવાનું કંઈ પણ રહ્યું નથી;
જે કંઈ કરું હું એઓ જેમ કહે એમ છે.

સાથ છે જ્યાર સુધી શબ્દનો નટવરને;
સફર ત્યાં લગી  જિંદગીની હેમખેમ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું