શનિવાર, 14 ડિસેમ્બર, 2013

વસવસો...

એ વાતનો જિંદગીભર થયા રાખશે દોસ્ત, મને વસવસો;
વસાવી દિલમાં કહી દીધું એમણે મને નજર સામેથી ખસો.

ઇશ્ક તો ઇશ્ક જ છે દોસ્ત,એ કંઈ જૂનો મોંઘો શરાબ નથી;
એક વાર જો પીધો તો કદી ય ઊતરતો નથી એનો નશો.

ગનીમત છે કદમ બે કદમ સાથે ચાલો જિંદગીની સફરમાં;
મેં ક્યાં કદી આપને કહ્યું, હર શ્વાસ તમે મારા નામે શ્વસો?

સમજતા સમજતા સમજાઈ જશે બે બુંદ આંસુંઓની કિંમત;
ભરી મહેફિલમાં યાદ કરી મને તમે ભીની આંખે કદી હસો.

ધારો એટલો સહેલો નથી મારો પીછો છોડાવવો ઓ સનમ;
પડછાયો બની યાદ મારી સાથ આવશે તમે જ્યાં જ્યાં જશો.

જમાનો ખરાબ છે, થોડા સંજોગો પણ વિપરીત છે આપણાં;
ન તો તમે બેવફા કે નથી હું પણ, નથી દોષ આપણો કશો.

એક છાલક પૂરતી છે સનમ,પ્યાસ મારા પ્યારની છિપાવવા;
મેં તો કદી ય નથી કહ્યું આપને મુજ પર મુશળધાર વરસો.

એક એક પળ વિતાવે છે હવે નટવર બસ યાદ કરીને એમને;
વિતાવી દેશે એ જ રીતે જિંદગીના બાકી રહેલ દરેક વરસો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું