રવિવાર, 17 નવેમ્બર, 2013

અનુમાન...

સાવ ખોટા પડ્યા કરે છે હવે દરેક અનુમાન;
ડુબાડી ગયા એ જ વહાણ,જેને સોંપ્યું સુકાન.

થોડી થોડી ભીની હોય આંખો આપણી જ્યારે;
બની જાય છે કિંમતી ત્યારે આપણી મુસકાન.

ભલભલાં થઈ જાય ઘાયલ જ્યારે હસીનાની;
તીર બને છે નજર ને આંખો બને છે કમાન.

તોલ મોલ કરે છે લાગણીઓની એ જ લોકો;
બેઠાં  છે ખોલીને જેઓ લાગણીઓની દુકાન.

બસ ત્યારે જ માનીશ હું તને પ્રભુ કે અલ્લાહ;
થશે જ્યારે મસ્જિદમાં આરતી, મંદિરે અજાન.

વાત વાતમાં થઈ જાય વાતની એક અફવા;
તણખો અફવાનો શહેરને બનાવી દે સ્મશાન.

ગયા જ્યારથી એઓ મને છોડીને, તરછોડીને;
ભર્યુંભાદર્યું ઘર મારું થઈ ગયું છે એક મકાન.

આવતા જતા લેજો યારો તમે ખબર નટવરની;
કબરમાં સુતા સુતાય થઈ જાય હવે તો થકાન.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું