શનિવાર, 16 નવેમ્બર, 2013

સમજાતું નથી...

દોસ્ત,એક પથ્થરને પણ કેવી રીતે ખુદા કરું સમજાતું નથી;
તું ક્યાં સાંભળે છે પ્રભુકેવી રીતે સદા કરું સમજાતું નથી.

મારે તો પહોંચાડવા છે એને મારા દિલથી તારા દિલ સુધી;
ક્યાં ક્યાં કઈ કઈ રીતે નમી તારા સજદા કરું સમજાતું નથી.

બંદગી ભક્તિ પ્રાર્થના છે કદી ન ઊતરતા એક નશા જેવી;
મંદિર, મસ્જિદમાં ય કેવી રીતે મયકદા કરું સમજાતું નથી.

આયનાને તો છેતરી જઈશ સાવ સરળતાથી હું દોસ્ત મારા;
મારી ખુદની જાત સાથે કેવી રીતે પરદા કરું સમજાતું નથી.

નજરથી તો દૂર કરી દીધા સનમ તમને હસતા હસતા મેં;
ઘાયલ દિલમાંથી તમને કેવી રીતે વદા કરું સમજાતું નથી.

ખયાલમાં આવી ખલેલ પાડે,સપનાંમાં આવી સનમ સતાવે;
યાઅ હવે એમને ત્યાંથી કઈ રીતે ગુમશૂદા કરું સમજાતું નથી.

ધર્મયુધ્ધમાં રણમેદાને અર્જુનને તો મળી ગયા હતા સારથિ;
મારા અવિરત પ્રેમયુધ્ધમાં હું કોને નાખુદા કરું સમજાતું નથી.

સોદા સપનાંઓના કરતા કરતા દેવાદાર થઈ ગયો નટવર;
વેચી મોંઘેરી નિંદર કરજ કેવી રીતે અદા કરું સમજાતું નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું