શનિવાર, 10 ઑગસ્ટ, 2013

નક્કી કરો...

હવે શું કરવું અને હવે શું શું નથી કરવું એ નક્કી કરો;
કેવી રીતે જીવવું અને કોના પર મરવું એ નક્કી કરો.

ચાલી તો નીકળ્યા છો હાથમાં હાથ આપી તમારો મને;
તો હવે કેમ ક્યારે ને ક્યાંથી પાછાં ફરવું એ નક્કી કરો.

કહ્યું હતું તમે કે આમ જ જીવતા જીવતા જીવી જવાશે;
મારા વિના જીવન કેમ લાગે છે વરવું એ નક્કી કરો.

છે ઇશ્ક તો ઠંડી આગનો ઊછળતો કૂદતો એક દરિયો;
એકબીજાને સહારે એને કેવી રીતે તરવું એ નક્કી કરો.

અભય થવાનું અને અજય થવાનું સાથે સાથે હોય છે;
કોનાથી બચતા રહેવું? કોનાથી ન ડરવું એ નક્કી કરો.

હર કોઈ જુવાન હૈયું એક વાર તો ઘવાય જ છે દોસ્ત;
ઘાયલ દિલને કોને ધરવું કોને ન ધરવું એ નક્કી કરો.

ખાલી થઈ જાય આંખોનાં કૂવાઓ કોઈની યાદમાં રડી;
હસતા હસતા એને ફરી કેવી રીતે ભરવું એ નક્કી કરો.

વસી તો ગયા છો સાવ સહજ નટવર કોઈની આંખોમાં;
ઓગળી આંસુંમાં ગાલો પરથી કેમ સરવું એ નક્કી કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું