શનિવાર, 10 ઑગસ્ટ, 2013

કાજળ થવું છે મારે..

તમારી બે સુરમઈ આંખોના કાજળ થવું છે મારે;
તમારા બે ફૂલગુલાબી ગાલે ઝાકળ થવું છે મારે.

તમારા ડગલે ડગલે પગલાંઓ માંડીશ હું મારા;
મેં ક્યાં કદી કહ્યું છે તમારી આગળ થવું છે મારે?

બહુ સાચવીને રાખશો તમારા ઉરની પાસે એને;
મોઘમ લિપિમાં લખેલ કોરા કાગળ થવું છે મારે.

બળબળતી બપોરે મારી રાહમાં આવો અગાશીએ;
તમને શીતળ છાંય આપે એવું વાદળ થવું છે મારે.

તમે છોડવા ચાહો તો ય ભવોભવ છોડી ન શકો;
તમારા મૃદુ ચરણોમાં સ્નેહની સાંકળ થવું છે મારે.

બળી મરીશું તો અમર થઈ જઈશું આપણે બન્ને ય;
દવ દિલોમાં લગાવી દે એ દાવાનળ થવું છે મારે.

સચ્ચાઈએ સતત ઠગ્યો છે સનમ તમારા નટવરને;
કદી સમજો સાચું એવું ખૂબસૂરત છળ થવું છે મારે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું