રવિવાર, 9 જૂન, 2013

વણ કહેલી વાત...

ન સમજાય એમને મારી વણ કહેલી વાત;
ને હવે એમને સમજવા છે મારા જજબાત.

જરૂર અંત એમણે તો વિચારી રાખ્યો હશે;
એથી જ એઓ નથી કરતા કોઈ શરૂઆત.

દોલત-એ-હુસ્નનો રુઆબ એમનો છે ભારે;
એથી એમણે ઠુકરાવી મારી ઇશ્કની ઠકરાત.

રોજબરોજ મળવાનું એમ તો થયા રાખે છે;
બસ નથી થતી થવા જેવી એક મુલાકાત.

નિયમો પણ ક્યારેક સાવ જ ખોટા પડે છે;
હર વખત નથી થતું આઘાત = પ્રત્યાઘાત.

દિવાલો સાથે ય વાતો કરતા શિખી ગયો હું;
ખાલી ખાલી ઓરડામાં કરતો રહું રજૂઆત.

આવું જીવવું પણ કેવું જીવવાનું છે નટવર?
જીવી રહ્યો છું હું ય જાણે ખુદને કરી બાકાત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું