ગુરુવાર, 9 મે, 2013

હાશ રહે છે...

એ મને યાદ કરે તો જીવને થોડી હાશ રહે છે;
એ મને વીસરે ત્યારે દિલ થોડું ઉદાસ રહે છે.

એવું સાવ અચાનક થઈ જાય છે સૌની સાથે;
લાખ લાખ લોકોમાં કોઈ એક જ ખાસ રહે છે.

કેટલાંય ફૂલોની ખબર લઈ આવ્યો છે ભમરો;
ન જાણી શક્યો એ,ફૂલોમાં ક્યાં સુવાસ રહે છે?

જોજનો સાથ ચાલી સાવ અજાણ્યા રહી જાય;
એવા ય કેટલાકની જિંદગીમાં પ્રવાસ રહે છે.

મંદિર, મસ્જિદ, દેવળ, ગુરુદ્વારા બંધ કરી દો;
તો ખબર પડશે દિલમાં પ્રભુનો વાસ રહે છે.

જિંદગી એનું જ તો નામ છે ઓ દોસ્ત મારા;
બધું મળી જાય તોય કંઇકની તલાશ રહે છે.

મારા દોસ્તોએ બહુ છેતર્યો છે હસી હસીને મને;
દુશ્મનો પર એટલે જ હવે વધુ વિશ્વાસ રહે છે.

આમ તો છે સાવ અઢી અક્ષરનો જ શબ્દ પ્રેમ;
અઢી અક્ષરમાં માનવજાતનો ઇતિહાસ રહે છે.

કંઈ નથી નટવરની આ કવિતાઓ, આ કવનો;
એમાં ફક્ત લીલીછમ લાગણીનો પ્રાસ રહે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું