રવિવાર, 10 માર્ચ, 2013

તારા માટે..

સનમ મેં એક તરસ સાચવીને રાખી છે તારા માટે;
તક એ એક મેં સરસ સાચવીને રાખી છે તારા માટે.

ગટગટ ગટાવી તને પ્યાસો રહ્યો હું તો જિંદગીભર;
પ્યાસ મેં અરસપરસ સાચવીને રાખી છે તારા માટે.

જક કરવાની તને આદત છે ને જીતવાની તાલાવેલી;
તું જીતે, હું હારું, બહસ સાચવીને રાખી છે તારા માટે.

આવવું જ હોય તો આવીને વસાવી દે મારી દુનિયાને;
દુનિયા એક તહસનહસ સાચવીને રાખી છે તારા માટે.

ડગ માંડતા તું ય લપસી પડશે એના પર ઓ સનમ;
લપસણી પ્રેમની ફરસ સાચવીને રાખી છે તારા માટે.

કોણ છું? શું છું ? શું હતો હું ને શું થઈશ તારા વિના;
માંડ મેં તો મારી મહસ સાચવીને રાખી છે તારા માટે.

તું આવે તો થાય કંઈ ઉદ્ધાર નટવરની જિંદગીનો ય;
એક જિંદગી સાવ નિરસ સાચવીને રાખી છે તારા માટે.

(મહસ= જાત; સમજ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું