રવિવાર, 10 માર્ચ, 2013

ગલત કરે છે...

હૈયું મેં મારું તને આપ્યું અને તુ એને પરત કરે છે;
સનમ મારી, તુ આ એક કામ બહુ જ ગલત કરે છે.

જા, નથી રમવું કદીય મારે હવે તારી સાથે સનમ;
રમવા પહેલાં જ તું જીતે હું હારું એવી શરત કરે છે.

એક તો મોડી આવે મળવા અને જવાની વાત કરે;
જે ન કરવાનું હોય એ જ કામ કેમ તું તરત કરે છે?

સહેલીઓ તારી તને હંમેશ ખોટું જ કહેશે મારા વિશે;
ને એવી સખીઓ સાથે તું ફરી ફરી મસલત કરે છે.

એવું તો તેં શું જાદુ કર્યુ મારા પર મારી જાણ બહાર?
હું ન ચાહું તો ય મન મારું તને જ યાદ સતત કરે છે.

હસતા રડતા રમતા જમતા યાદ કરું સનમ તને હું;
કહે, તું ક્યારે તારા દિલને મારી યાદોમાં રત કરે છે?

મેં તો કરી દીધી આખેઆખી મારી જિંદગી તારે નામ;
કહે ક્યારે મારે નામ તું તારા દિલની વસિયત કરે છે?

લખતો રહે રોજબરોજ દિલની વાત નટવર દિલથી;
લાખો માટે દિલની વાત કહેવાની એ સવલત કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું