શનિવાર, 9 માર્ચ, 2013

સલામત રહે....

સનમ દિલમાં તારા મારો પ્યાર સદા સલામત રહે;
હર પળ કરી રહ્યો તારો ઇંતેજાર સદા સલામત રહે.

હોઠોથી ના ના કરતી રહેવાની તારી અદા નિરાળી;
નજર ઝુકાવી તેં કરેલ ઇકરાર સદા સલામત રહે.

વય છે,એ તો વધવાનું કામ કરતી રહેતી રહેશે જ;
વધતી વય સાથે તારો નિખાર સદા સલામત રહે.

ન તેં કંઈ કહ્યું જતા જતા મને, ન મેં કંઈ સાંભળ્યું;
આંખો આંખોમાં થયો એ કરાર સદા સલામત રહે.

દુનિયા છે તો એ મારી ને તારી વાતો કરતી રહેશે;
મારા પરનો તારો છે એ એતબાર સદા સલામત રહે.

ભલેને તું ઊઠી ગઈ સનમ મહેફિલમાંથી અચાનક;
મારા દિલમાં તારો છે જે દરબાર સદા સલામત રહે.

પતઝડ તો કેટલીય આવીને જશે મારા ગુલશનમાં;
તારા મઘમઘતા બાગની બહાર સદા સલામત રહે.

તને રોશની આપવા નટવર જલાવી દેશે એનું ઘર;
પણ સનમ તારા મોંઘેરા ઘરબાર સદા સલામત રહે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું