શનિવાર, 9 માર્ચ, 2013

મારી વાતો...

એવી તો ઘણી ય મારી વાતો મારા ખુદથી અજાણી છે;
યાર, જે સૌ મેં મારા જિગરી દુશ્મનો મારફત જાણી છે.

ભલભલાં દુઃખ દરદ સાવ સરળતાથી ઓગાળી દે એ;
આ અશ્રુજળ પણ યાર મારા, એક અદભુત પાણી છે.

એક પછી એક પાના ઊથલાવતો જાઉં દિનપ્રતિદિન;
જિંદગી મારી ને તારી સનમ, એક અધૂરી કહાણી છે.

થોડા આંસુ, થોડી આહ, તગતગતી તન્હાઈભરી યાદો;
બસ આજ તો કારોબાર- એ - ઇશ્કની ખરી કમાણી છે.

તૂટવા નથી દીધી દોર એમ તો મેં નખરાળી નજરનો;
જેટલી દીધી છૂટ એટલી જ એણે એને વધારે તાણી છે.

દરદ-એ-દાસ્તાં મહેફિલમાં કહેવાનો ફાયદો એટલો જ;
દરદ હોય જે નજમમાં એ જ તો મહેફિલે વધુ માણી છે.

શું છે નટવરની હર નજમ? શું છે એની પૃષ્ઠ ભૂમિકા?
લાગણી સાથે શબ્દોની રમત જાણે અલક ચલાણી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું