શનિવાર, 9 માર્ચ, 2013

નથી....નથી...નથી...

મકાનોના અડાબીડ જંગલમાં એકે ય વૃક્ષ પગભર નથી;
સેલફોનના રિંગટૉનમાં ક્યાંય કોઈ પંખીનો કલરવ નથી.

ખરી ગયા છે સૌ પર્ણ ભર વસંતમાં હર એક વૃક્ષ પરથી;
પવન પણ સુનો વાય છે,મકાનોના જંગલમાં મર્મર નથી.

કેવી રીતે ઘડું કોઈ મુરત તારી ભગવાન હવે હું તું જ કહે;
તારી જ બનાવેલ દુનિયામાં એકે ય અખંડ પથ્થર નથી.

વાદળો લઈને પાણી સાગર પાસેથી વરસી ગયા ઠેર ઠેર;
હાય રે!મારી સુકી સુકી છત પર તો જરા ય ઝરમર નથી.

અખબાર છાપે છે રોજ રોજ એકના એક સમાચાર વારંવાર;
ક્યાંય કોઈ નવા જૂની નથી દોસ્ત, કોઈ નવી ખબર નથી.

આવીને ચઢાવી ગયા ચાદર ને વહાવી ગયા થોડા આંસું;
નાદાન સનમ મારા જાણતા ન હતા, એ મારી કબર નથી.

જીવતા જીવતા બસ એમ જ જીવાય જાય છે નટવર અહિં;
કરવા બેસીએ જો હિસાબ લાગણીઓનો, કંઈ સરભર નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું