શનિવાર, 9 માર્ચ, 2013

એક ધારણા...


સાવ જ ખોટી પડી ગઈ દોસ્ત મારી એક ધારણા;
નિહાળી મને એણે બંધ કરી દીધા મનનાં બારણા.

કોણ પારકું? કોણ પરાયું?કોણ સગુ? કોણ વહાલું?
કુંચવાઈ ગયા છે સહુ સગપણના નાજુક તાંતણા.

એને હું જરા યાદ નથી એની કોઈ ફરિયાદ નથી;
પામર મન મારું ભૂલી નથી શકતું એનાં સંભારણા.

એકમેકના પૂરક હતા તો હતા બહુ જ સોહામાણાં;
એક બીજા વિના આપણે થઈ ગયા બહુ વામણા.

ગયા એવા જિંદગીમાંથી સનમ તમે છોડીને મને;
અમે ખુદથી જ થઈ ગયા છીએ સાવ અળખામણા.

હતા સાથે ત્યારે કરી એણે સાવ અવગણના મારી;
હવે ચઢાવી હાર મારી છબીને લે છે એ ઓવારણા.

જેને દિલ દઈએ એના માંગ્યા વિના આપણે કદી;
કમબખ્ત એ જ દિલબર કદીય નથી થતા આપણા.

ક્યારેક તો ઊગી નીકળશે નટવર તારા આ શબ્દો;
સીચી આંસું શબ્દના કરતો રહેજે આમ તું વાવણા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું