શનિવાર, 26 જાન્યુઆરી, 2013

ખજાનો

આજનો આ આમ આદમીય છે મોટા ગજાનો;
સુખ દુઃખમાં મારી તમાચો ગાલ રાખે મજાનો.

તમારો સેવક છું કહેતા ન થાકતો પહેલાં એ;
બની પ્રધાન, કદી ન કરે વિચાર એ પ્રજાનો.

એ શિક્ષકને એ વિદ્યાર્થી શું થશે કોણ જાણે?
ભણવા ભણાવવા કરતા કરે વિચાર રજાનો.

છે બહેરો ફોજદાર અને છે આંધળો ન્યાયાધીશ;
હવે ગુનેગારને ક્યાં ડર લાગે છે કોઈ સજાનો?

લાખોને પહેરાવાને તન પર તસુય કપડું નથી;
ને પ્રભુ! તને મોહ છે છપ્પન ગજની ધજાનો ?

ધરમ ધરમ રમવાનું હવે બંધ કરો દોસ્ત મારા;
મસ્જિદમાં કરો આરતી,મંદિરથી પુકારો અજાનો.

જીવતા જીવતા બસ જીવાય ગયું આખું જીવન;
કરીશ કબરમાં વિચાર જીવતા રહેવાની વજાનો.

બહુ જતનથી સાચવ્યો હતો મેં પાંપણો નીચે;
કોણ આવી લૂંટી ગયું મારા સપનાનો ખજાનો?

હસતા રમતા તોડી નાંખ્યું દિલ મારું જાલિમે;
ન વિચાર કર્યો મને થયેલ જીવલેણ ઈજાનો.

દશ દશ દિશાની દિવાલો છે નટવરના ઘરની;
ઓઢી આકાશ કરે વિચાર એ ખૂબસૂરત છજાનો.

2 ટિપ્પણીઓ:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું