શનિવાર, 29 ડિસેમ્બર, 2012

દરઅસલ...

જેવું હોવું જોઈએ એવું હંમેશ નથી હોતું દરઅસલ;
આ અણસમજ લાગણી કર્યા રાખે જીવવામાં દખલ.

સમજતા સમજતા સમજાય જાય છે જિંદગી વિશે;
એમ તો છે ફક્ત જનમથી મોત સુધીની દડમજલ.

તારી આંખોથી પિવડાવી દે એક વાર સાકી મને તું;
પુરી જિંદગીભર ન ઊતરવા દઈશ હું એનો અમલ.

મારા દિલની ધડકનોમાં તને તારું નામ સંભળાશે;
તું ય કર તારી ધડકનોની મારી સાથે અદલબદલ.

ભાવિ મારું તારા હાથમાં સોંપીને નિરાંત કરી છે મેં;
ફેંક તું તારે બેફિકર મારી જિંદગીની બાજીનો રમલ.

તારા આંસુંઓનું કારણ નથી બનવું મારે કદી સનમ;
યાદ ન કરીશ મને કે તું હસે અને આંખો બને સજલ.

શું છે નટવરની હરેક નજમ,એના આ અધૂરાં કવન?
તને યાદ કરતા કરતા ઊગી નીકળે શબ્દોની ફસલ.

(રમલ= એ નામનો જ્યોતિષવિદ્યામાં વપરાતો પાંચ ધાતુનો પાસો.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું