શનિવાર, 29 ડિસેમ્બર, 2012

હાશ મળે...

દફનાવી દો હવે અમને જીવતા તો થોડી હાશ મળે;
તમનેય ફરી ક્યાં અમારા જેવી જીવતી લાશ મળે?

આવી ચડશે કોઈક તો મારી કબરે ચાદર ચઢાવવા;
હું ય કદી જીવતો’તો એવો મને થોડો વિશ્વાસ મળે.

કોને જઈને કહીએ હવે અમે ઘાયલ દિલની વાત?
મળે શખ્સ સામો હર કોઈ અમને સાવ નિરાશ મળે.

ડર લાગે અમને હવે સનમ,તમારા ફેલાયેલ બાહુનો;
મરી જઈશ જીવતો,તમારા આઘોશમાં મોહપાશ મળે.

નથી માનતા અમે દિલની વાત દોસ્તો આસાનીથી;
દોસ્ત, દિલથી દુષ્ટ ન તો અહીં કોઈ બદમાશ મળે.

કોણ છીએ? કોના છીએ અમે? કોના થઈને રહી ગયા?
આ સવાલના જવાબથી ન તો મોટી કોઈ તલાશ મળે.

દરિયો આખો દર્દનો સમાવીને બેઠાં છીએ અમે દિલમાં;
એથી જ કદાચ અમારા આંસુંમાંય થોડી ખારાશ મળે.

મન તો પાગલ છે નટવર, ન રહે એ કોઈના કબજામાં;
અસીમ વિચારો પર કરે કાબુ એવી કોઈ મને રાશ મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું