શુક્રવાર, 9 નવેમ્બર, 2012

એક ગફલત...

યારો, મારાથી ય થઈ ગઈ છે એક ગફલત;
ના ના કરતા કરતા કરી બેઠો હું ય ઉલફત.

કારોબાર-એ-ઇશ્કમાં શું મેળવ્યું, શું ગુમાવ્યું?
થોડા આંસુ, ઊની ઊની આહની થઈ બરકત.

અઢી અક્ષરના પ્યારને સમજવો છે અઘરો;
સમજનારા સમજે, નાસમજ કાજ છે હરકત.

પ્યાર કરવો ન કરવો તમારી મરજી સનમ;
બસ એટલું કહું કદી ન કરશો તમે નફરત.

ઉપર બેઠો પ્રભુ ય ભારે મજાક કરતો રહે છે;
રડતા રડતા હસવાની ય આપી છે સવલત.

લગાવશો ન દાગ આંસુના મારા કફન પર;
નહીંતર સનમ, જીવ મારો ય જશે અવગત.

નથી સાંભળતા એ દિલની વાત નટવર હવે;
એથી એમની સાથે હું વાતો કર્યા રાખું સ્વગત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું