શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

એવી લડાઈ....

લડી રહ્યો છું હરદમ દોસ્ત, હું એવી લડાઈ;
જે કદી કોઈથી ય જીવતાંજીવ નથી જિતાઈ.

થઈ ગયો સનમ, કમબખ્ત ઇશ્ક જ્યારથી;
મારી જાત મને ખુદને લાગે હવે તો પરાઈ.

કેવાં લખ્યા છે લેખ વિધિએ કોરા કપાળે;
કહે દોસ્ત, કેવી રીતે કરું હું એની ખરાઈ?

ક્યાં જવું મારે અને શું કરવું હવે મારે કહો;

છે એક તરફ પર્વત તો બીજી બાજુ ખાઈ.

મુઠ્ઠીભર દિલમાં સાચવીને સંતાડ્યો પ્રેમને;
જેમ પર્વતને સંતાડતી કોઈ નાનકડી રાઈ.

જરૂર દૂર છે પણ ક્યાં અલગ છે તું મારાથી?
મારી રગરગમાં સનમ, તું જ તો છે સમાઈ.

જેના માટે થઈ ગયો હસતા હસતા હું ફના;
ને નામ એનું દેવાની છે મને સખ્ત મનાઈ.

કારોબાર-એ-ઇશ્કમાં પળની ય ફુરસત નથી ;
અને ઉપરથી નથી પાઈની ય કોઈ કમાઈ.

લખતા લખતા થઈ ગયો હવે હું તો લહિયો;
લખવાની છે જે વાત એ જ ન કદી લખાઈ.

મેળવે બે દિલને ને પછી કરી દે અલગ તું;
ખુદા મારા કહે,આ તે કેવી છે તારી ખુદાઈ?

ઘાયલ દિલ સાથે હસતો રહ્યો છે નટવર;
દોસ્તો,કદી તો દો એને તમે દિલથી દુહાઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું