શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

ન કર...

મળી જઈશ તને રસ્તામાં આવતા જતા, શોધ ન કર;
ખયાલમાં કોક દિ તો આવવા દે, ત્યાં અવરોધ ન કર.

ગમતા ગમતા ગમી જઈશ ને દિલમાં ય વસી જઈશ;
પ્રેમ કરવાનો હોય સનમ મને ત્યાં તું હવે ક્રોધ ન કર.

તારી તરલ આંખના પાણીમાં તરે છે મારું જ પ્રતિબિંબ;
ત્યાંથી એ તણાય જશે, તું હવે આંસુંઓનો ધોધ ન કર.

દિલ તારું છે તો તારું જ રહેવા દે,મને નથી કોઈ વાંધો;
જો હવે એ ધબકવા લાગે મારા નામે તો વિરોધ ન કર.

તારે ભૂલવું જ હોય સનમ, તો તું બેશક ભૂલી શકે મને;
હું તને સાવ જ વીસરી જાઉં એવો તું અનુરોધ ન કર.

માણસ છું તો ભૂલ પણ થઈ જાય મારાથી પ્રેમ કરતા;
નાની મોટી ખરી ખોટી એ ભૂલોની હવે તું નોંધ ન કર.

એક દિ આમને ઊંઘમાં ને ઊંઘમાં જ હું તો મરી જઈશ;
સપનાંમાં સાવ અચાનક આવી મને તું ચકાચૌંધ ન કર.

વાત પ્રેમની આંખોથી કે સ્પર્શથી કર તું નટવર સાથે;
પ્રેમ જ ઉમદા ધરમ છે,હવે કોઈ અવનવો બોધ ન કર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું