શનિવાર, 9 જૂન, 2012

આજનો માણસ



વાતો કેટલી ય અકબંધ રાખીને ફરે છે આજનો માણસ;
ન જાણે કેમ આંખો બંધ રાખીને ફરે છે આજનો માણસ.

એક પણ સગપણને થવા દેતો નથી ઘટ્ટ એ આજકાલ;
પાણીથી પાતળા સંબંધ રાખીને ફરે છે આજનો માણસ.

પાંગરતા પુષ્પની સુવાસ માણવાની આદત વીસર્યો છે;
અત્તરની બાટલીમાં સુગંધ રાખીને ફરે છે આજનો માણસ.

સુખમાં કે દુઃખમાં છલકાવા દેતો નથી એ કદી આંસુંઓને;
એની પાંપણે મજબૂત બંધ રાખીને ફરે છે આજનો માણસ

છે એવો એ કદી દેખાતો નથી ને દેખાવા દેતો નથી એ;
અવનવો દેખાવા પ્રબંધ રાખીને ફરે છે આજનો માણસ.

સુખને સમજતો નથી, મળે ત્યારે ભોગવતો નથી એ કદી;
ને વેદનાનો નિબંધ રાખીને રાખીને ફરે છે આજનો માણસ.

સાચી વાત કહો તો સમજતો નથી, સમજાવતો નથી એ;
સાથે કેટલાં ય મિત્રો અંધ રાખીને ફરે છે આજનો માણસ.

ન કર ફિકર નટવર તું તારી લીલીછમ લાગણીઓની;
હવે ક્યાં કોઈ ઋણાનુબંધ રાખીને ફરે છે આજનો માણસ?



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું