ગુરુવાર, 7 જૂન, 2012

નથી...


પાણી આંસુંનું દરિયાથી ખારું નથી;
એમાંથી બનતું નમક બહુ સારું નથી.

ક્યાં લાંગરું મારા અરમાનોની હોડીને?
તારા સાગર પર તો કોઈ બારું નથી.

સહુને કોઈને કોઈ મળી રહે છે દોસ્ત;
બસ, આ દુનિયામાં કોઈ મારું નથી.

તરસ પ્યારની લઈને ક્યાં જવું મારે?
છિપાવે એ પ્યાસ એવું પણિયારું નથી.

હું તને ચાહતો રહ્યો હરદમ હર પળ;
ને ચાહવાનું મને તારું એકધારું નથી.

કમબખ્ત સંજોગો નડતા રહે છે દરેકને;
બાકી આ દુનિયામાં કોઈ નઠારું નથી.

સુખ વહેંચ,એ હોય છે સહુ કોઈનું દોસ્ત;
દુઃખ હોય છે અંગત,એ મજિયારું નથી.

કેવી રીતે કરું બંધ મારા મનનાં કમાડ?
પામર મારા મનને કોઈ ચણિયારું નથી,

એમ તો આ નટવર ચાહે છે સહુ કોઈને;
પણ તારાથી વધુ એને કોઈ પ્યારું નથી.

(૧:ચણિયારું=જૂની પદ્ધતિનાં બારી, બારણાં, દરવાજાનાં કમાડની સાખ બાજુના નીચલા છેડાનો લોખંડનો ખૂટો, અડીવાળા લાકડાના ટુકડામાં રહે છે તે ટુકડો , જે ખાડામાં ટેકાવાથી બારણું ફરે છે તે)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું