સોમવાર, 4 જૂન, 2012

તારી તારીફ


તારી તારીફ કરું એમાં કોઈ બુરાઈ નથી;
તું તો છે મારી સનમ, કોઈ પરાઈ નથી.

હર જગાએ મને તું અને તને હું દેખાઉં;
ઇશ્કમાં તો આ કોઈ મોટી નવાઈ નથી.

હું તને ચાહું વધારે કે તું મને ચાહે વધુ;
આપણી વચ્ચે આવી  કોઈ લડાઈ નથી.

તું મારા દિલમાં ધબકે, હું તારા દિલમાં;
છીએ અલગ ને આમ કોઈ જુદાઈ નથી.

અરીસો તૂટી ગયો છે અધૂરી ઇચ્છાઓનો;
મનીષા એકે હજુ ય જરાય તરડાઈ નથી.

ન જાણે કેમ વરસે અનરાધાર આ આંખો;
જોકે ઘટા ઘનઘોર ગમની છવાઈ નથી.

બુઝાવી શમા ઊઠી ગઈ તું  એવી રીતે;
મહેફિલ ફરી કોઈ  દિલમાં ભરાઈ નથી. 

લખી મેં તારી યાદમાં કેટલી ય નજમ;
લખવી જોઈએ એવી હજુ લખાઈ નથી.

વેશ ભજવતા હર કોઈ થઈ જાય નટવર;
દોસ્ત,આ ભવથી મોટી કોઈ ભવાઈ નથી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું