શનિવાર, 2 જૂન, 2012

તું જો...



એક વાર સનમ, કોઈના પર ખુવાર થઈને તું જો;
કોઈના ગુલાબી ગાલે આંસુનું તુષાર થઈને તું જો.

ન સાકીથી, ન પયમાનાથી, ન સુરાહીથી પી કદી;
એક વાર આંખોથી પી હુસ્નનો ખુમાર થઈને તું જો.

એક ગીત પ્યારનું છે જિંદગી, છે જુદાઈની રુબાઈ;
ગણગણ્યા કરીશ તને, કદી અશઆર થઈને તું જો.

તારા પગલે પગલે પુષ્પ પાથરીશ, સજદા કરીશ;
કદી આ નાચીજની ગલીમાંથી પસાર થઈને તું જો.

તારો છું અને બેશક રહીશ તારો ભવોભવ હું સનમ;
અફીણી આંખોથી મારામાંથી આરપાર થઈને તું જો.

જેવી એ એવી આ જિંદગી ગમવા લાગશે તને પણ;
કોઈ એકલદોકલ ઘાયલ દિલનો દુલાર થઈને તું જો.

આ અસીમ તન્હાઈ સજા કે છે મજા, શું ખબર તને;
કોઈ કમસિન હસીનના ઇશ્કમાં બેકરાર થઈને તું જો. 

નીચી નજરે સૌ લોકો ચરણ પખાળવા આવશે તારા;
છોડી સૌ મજબૂરી નટવર,ક્યારેક ઉદાર થઈને તું જો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું