રવિવાર, 1 એપ્રિલ, 2012

તું ભલે એમ માને તારા વિના અહીં ઠીક છે;
પણ તું મને વીસરી જાય એની બહુ બીક છે.

હું તો તને સ્મરતો રહું હર શ્વાસે શ્વાસે સનમ;
તારું મને યાદ  કરવાનું કેમ સાવ તનિક છે?

આંખોને આંગણે લટકાવી છે આંસુની માળા;
મારા ખંડિત પ્રેમનું એ તો ચમકતું પ્રતીક છે.

છે મારો પ્રેમ ભવોભવનો સનમ તારી સાથે;
તેં કેમ માની લીધું એ એક આવેશ ક્ષણિક છે?

ન પૂછ યાર કેવી બુરી હાલત છે ઇશ્કમાં મારી;
છે કઠિન રાહ પ્રેમનો અને થાકેલ બે પથિક છે.

એક છપ્પનિયો ચાલે છે લીલીછમ લાગણીનો;
ને ઉપરથી અસીમ એકલતાનો માસ અધિક છે.

દિલ મારું હારી જીતી છે બાજી પ્યારની મેં તો;
મિત્રો ભલે કહે મને એ સાવ ગાફેલ વણિક છે.

છેહ દઈ ગયા સહુ કહેવાતા જિગરી મને તો;
હવે તો બસ મારો પડછાયો જ મારો રફીક* છે.

ભલે રહ્યું સાત સમંદર દૂર મારું વહાલું વતન;
તું શું જાણે યાર,મારા દિલનું એ કેટલું નજીક છે?

નથી નટવર પાસે રાજપાટ,નથી ધન દોલત;
છે થોડા શબ્દની મિરાત,એ તો બહુ ધનિક છે.

(*રફીક=મિત્ર, સંગાથી, દોસ્ત, સોબતી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું