બુધવાર, 4 એપ્રિલ, 2012

કેવો અંજામ આવ્યો?

મારી મહોબ્બતનો આ તે કેવો અંજામ આવ્યો?
બેઠો છું મયખાને, હાથમાં ગળતો જામ આવ્યો.

ચાલતા ચાલતા થઈ ગયા રાહ જુદા બન્નેના;
જિંદગીની સફરમાં આ તે કેવો મુકામ આવ્યો?

નામ મારું ગૂંથીને આપ્યો હતો એમણે રૂમાલ;
આજ એ જ આંસુ લૂંછવાને મને કામ આવ્યો.

રાહ જોતો રહ્યો ભવોભવથી હું જેની દોસ્ત હું;
લો,એનો ન આવવાનો આજ પયગામ આવ્યો.

ભલે ન આવવા દીધો એની જિંદગીમાં મને;
એના સપનાંઓમાં હું રોજ સરેઆમ આવ્યો.

હાય રે! યદા યદા હી કહી એ ય વીસરી ગયો;
ધરતી પર ન તો ફરી કદી ઘનશ્યામ આવ્યો.

જીવતેજીવ ન છૂટ્યો જિંદગીની હાયવોયમાંથી;
સુતો જ્યારે હું કબરમાં,થોડો તો આરામ આવ્યો.

પરદેશની આબોહવાએ બદલ્યો એવો નટવરને;
કોઈએ ન ઓળખ્યો,જ્યારે એ એના ગામ આવ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું