શુક્રવાર, 23 માર્ચ, 2012

ટપાલમાં..


સાવ કોરો ખત મોકલ્યો છે એમણે ટપાલમાં;
જરૂર ઉતાવળમાં હશે મારા વહાલા બાલમા. 

સિરનામું કર્યું એમણે ખુદ પોતાના હાથોથી;
ચાલો એટલો તો રહું છું હું એમના ખયાલમાં.

ન મળી શકે,ન કંઈ એ લખી શકે તો શું થયું?
એથી કંઈ ઓટ નથી આવી એમના વહાલમાં.

જતા જતા એક વાર ન જોયું ફરીને એમણે;
ન કદી પૂછ્યું શું કરો છો તમે આજકાલમાં?

ડૂબીને મરવાની ભાખી હતી ઘાત નજૂમીએ;
ડુબાવી ગયા મને બે ખંજનો એમના ગાલમાં. 

ધબકારે ધબકારે થાય એના એમના ભણકારા;
ધબકે છે હ્રદય એમના નામ સાથે સુરતાલમાં.

શબ્દની પડી ખોટ મને એમને ઉત્તર આપતા;
એવું એવું તે કેવું કેવું પૂછે છે એઓ સવાલમાં.

હારી ગયો છે સમયની સાથે લડતા નટવર;
કરી ગયો મહાત મને વખત એની હર ચાલમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું